Join WhatsApp Group : Click Here

Join Telegram Channel : Click Here


 મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 

રાજયમાં ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યાઓ ભરાશે 
- ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી 

ભરતીનુ આયોજન આગામી ૧૦૦ દિવસમાં કરાશે : જેના પરીણામે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદૃઢ બનશે 

કોવિડના કારણે પેન્ડીંગ રહેલ પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડપથી થાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજયના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે એમ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું. 

ગૃહ રાજ્ય મંત્રી શ્રી સંઘવી એ ગૃહ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં તા .૧૯.૯.૨૦૨૧ ને રવિવારના રજાના દિવસે ભરતી બોર્ડના અધ્યક્ષશ્રીઓ સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમિક્ષા કરી હતી અને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અધ્યક્ષશ્રીઓને જરૂરી આદેશો કર્યાં છે.

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનીકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ (માનદ) ની મળીને અંદાજીત ૨૭૮૪૭ જગ્યાઓ માટે ભરતીનુ આયોજન આગામી ૧૦૦ દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખુબ જ ટૂંકા સમયગાળામાં ભરતી પ્રક્રિયાનુ આયોજન કરીને યુવાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર હરહમેશા કટિબદ્ધ છે.

આ નિર્ણયના ફળ સ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસ દળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપલબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા પ્રાપ્ત થશે અને રાજ્યની સુરક્ષામાં વધારો કરવા માટેના રાજ્ય સરકારના પગલાઓ વધુ બળવત્તર બનશે. 



Powered by Blogger.